મુકેશ અંબાણી પરિવાર

0 A PLUS INFORMATION
જામનગરમાં પંગતો વચ્ચે “જય દ્વારકાધીશ”, “જય શ્રી કૃષ્ણ” કહી બુંદીનાં લાડુ પીરસતા મુકેશ અંબાણીને જોઇને એક સવાલ થાય છે કે-આપણે હવે શું કરીશું?!!

બે-ચાર-પાંચ કરોડનાં આસામીઓ એવા આપણે સૌ આપણાં લગ્ન પ્રસંગોમાં પરદેશથી શેફ બોલાવીએ, દુનિયાભરની સુગર ફ્રી મીઠાઇઓનાં કાઉન્ટર મૂકી ફાંકા-ફોજદારીઓ કરીએ છીએ અને પોણા દસ લાખ કરોડનાં આસામી મુકેશભાઇ બે હાથ જોડી પ્રેમથી બુંદીનાં લાડુ જમાડી રહ્યા છે !!!

આપણાં સુગર ફ્રી ચોંચલાઓનું હવે શું થશે?

શ્રીમંતોનું જોઇ-જોઇને આપણે પંગતોને બાજુ પર મૂકી બુફેની ભારે-ભરખમ ડિશો- ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, થાઇ, ચાટ, લાઇવ વગેરે વગેરે કાઉન્ટરો લઇ આવ્યા અને પોણા દસ લાખ કરોડનાં આસામી મુકેશભાઇએ તો ફરી પંગત પાડી….

હવે?

એક સમય હતો જ્યારે લગનની પંગતો પડતી, મહારાજની દાળ-છાલવાળા બટાકાનું ગળ્યું શાક-વડી-લાપસી પીરસાતા-વર કે કન્યાનાં મમ્મી-પપ્પા “એક ચમચો લાપસી તો ખવાઇ જશે….”નો આગ્રહ કરવા નીકળતા, આ વધારાની લાપસીથી વજન તો વધતા વધતું પણ શેર લોહી ચોક્કસ ચડી જતું ! બધું સાવ અંગત-અંગત લાગતું !!! હવે દેખાદેખીનાં બજારોમાં જાતભાતનાં મોંઘાદાટ કાઉન્ટર્સ પર “સ્ટેટસ”નો બોજ ઉંચકી ફરતા ફરતા “આઇ એમ ઓન ડાયેટ”ની દુહાઇઓ આપતા રહીએ છીએ !

અમારી પાસે તો ઘણું છે-એવા ફાંકામાં “નો ગિફ્ટ્સ ઓન્લી બ્લેસિંગ્સ” એવું કલાત્મક અક્ષરોએ લખી આપણે તો ચાંલ્લાનો રિવાજ બંધ કરી દીધો-પણ પોણા દસ લાખ કરોડનો વારસદાર અનંત અંબાણી આહિરાણી પાસેથી શુકન પેટે ગોળ વળાયેલી નોટ પ્રેમથી લેવાનું ચૂક્યો નહી ! એનાં પોણા દસ લાખ કરોડ સામે પેલી ગોળ વળાયેલી નોટનું પલ્લું નીચું નમી જતા એણે ચોક્કસ અનુભવ્યું હશે !!!

હવે?

હવે આપણે શું કરીશું?

દેખાદેખીનાં બજારમાં આપણી હસ્તીને હજી વધારે મોટી કરવાનો પ્રયાસ કરીશું કે પ્રેમથી-વહાલથી ખવડાવાતા બુંદી-લાડુનાં સમર્થકો હોવાનો ખુલ્લેઆમ સ્વીકાર કરીશું?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે