અખંડ ભારત માંથી અનુક્રમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તિબેટ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર (બર્મા), બાંગ્લાદેશ અને શ્રી લંકા જેવા અલગ અલગ આઠ દેશોનું અસ્તિત્વ ઉદ્ભવ્યું છે, જેમની સંસ્કૃતિ, ભાષા અને ધર્મો અલગ છે. આથી તેઓને સાથે મેળવીને અખંડ ભારતનો સંઘ બનાવવો અવ્યવહારિક હોવાની સાથે સાથે અઘરું પણ છે અને ભારત ઉપર બિનજરૂરી જવાબદારીઓ અને બોજા સિવાય અન્ય કોઈ ફાયદો ના મળે.
ભારત ગમે તેટલું તાકાતવર હોય પણ ક્યારેય કોઈ અન્ય દેશ ઉપર હુમલો કે પેશકદમી કરી નથી. પહેલા જમાનાની જેમ એક તાકાતવર દેશ બીજા નબળા દેશ ઉપર હુમલો કરીને પોતાનામા ભેળવી લેતા તે સમય હવે ભૂતકાળની વાત બની ચુકી છે.
તિબેટ, ભૂતાન અને નેપાળને બાદ કરતા આપણા અન્ય પડોશીઓની ભારત સાથેની દુશ્મનાવટ અને નફરત જગજાહેર છે. તિબેટને તો ચીને ક્યારનું પચાવી પાડ્યું છે, હવે ભૂતાન અને નેપાળને પણ પોતાના પડખામાં લઈને ભારતવિરોધી પ્રવૃતિઓ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે.