પંજાબની વાઘા-અટારી બોર્ડરની પેટર્ન પર નડાબેટ બોર્ડર પર સરકાર દ્વારા ગુજરાત ટુરીઝમના સહયોગથી પ્રવાસીઓ માટે સીમા દર્શન કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં બીએસએફ દ્વારા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. વચ્ચે થોડા સમય માટે પ્રાયોગિક ધોરણે ચાલુ થયું હતું પણ કોરોના મહામારી પછી બંધ છે. સીમાદર્શન કાર્યક્રમ માટેનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ગુજરાત ટુરીઝમ દ્વારા વિકસાવાઈ રહ્યું છે.
ભારત પાકિસ્તાન વચ્ચેના સને ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુધ્ધ દરમિયાન અહીંના રણછોડ પગી દ્વારા ભારતીય સેનાને આ બોર્ડર પર પાકિસ્તાની સેનાની હિલચાલ અંગેની સચોટ માહિતી આપવામાં આવેલી જેના પરિણામે ભારતીય સેનાને વિજયી થવામાં ઘણું જ ઉપયોગી થયેલું. રણછોડ પગી મૂળ પાકિસ્તાનમાં જન્મેલા પણ ભાગલા પછી બનાસકાંઠાના વાવ તાલુકાના એક ગામમાં વસવાટ કરેલો. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમજ બોર્ડર પરના ગામમાં વસવાટ હોવાથી રણના બધા રસ્તાઓના જાણકાર હતા તેમજ પગલાંની છાપ ઉપરથી માણસ અને પશુઓની હિલચાલની સચોટ માહિતી આપી શકતા. ભારતીય સેનાને ઉપયોગી માહિતી બદલ ફિલ્ડમાર્શલ જનરલ સેમ માણેકશા દ્વારા શ્રી રણછોડ પગીનું રૂબરૂ બોલાવીને સન્માન કરવામાં આવેલું અને આ બોર્ડરનું નામ શ્રી રણછોડદાસ બોર્ડર નામ આપવામાં આવેલ છે.
વાવ તાલુકો તેમજ તેનો નડાબેટ, સુઈગામ વિસ્તાર કચ્છનો રણ વિસ્તાર તરીકે જ ઓળખાય છે એટલે આ ભાગ પણ કચ્છનો વિસ્તાર હોય એવી ભૂલ થાય છે.
વન અધિકારી હોવાના નાતે એક વધુ માહિતી ઉમેરણ કરવાથી રોકી નથી શકતો.
નડાબેટ બોર્ડર પર ચોમાસાના વરસાદથી ખુબ મોટા વિસ્તારમાં રણમાં પાણી ભરાઈ જાય છે. અને આખો વિસ્તાર જળપ્લાવિત વિસ્તારમાં ફેરવાઈ જાય છે જેને પરિણામે શિયાળામાં ખુબ મોટી સંખ્યામાં માઈગ્રેટરી પક્ષીઓ અહીં આવે છે. બોર્ડર પર ભારત અને પાકિસ્તાન બન્ને તરફ પાણી ભરાય છે અને બોર્ડરની બન્ને તરફ પક્ષીઓ હોય છે. પક્ષીઓને તો શું વળી સરહદ… એ તો આપણે માનવીએ દોરેલા લીટા છે!!
અહીં શિયાળામાં પક્ષીદર્શન માટે જવા બીએસએફ ની પરમિશન જરૂરી છે.